About Us
શ્રી લોહાણા સમાજ-નવી મુંબઈની જાજરમાન સફરની સફળતાના સુવર્ણ મઢ્યા ૨૫ વરસની વણથંભીયાત્રા (સ્થાપના સન ૧૯૮૮ ચૈત્રીબીજ થી રજતજયંતી વર્ષ ચૈત્રબીજ સન ૨૦૧૩)
સન ૧૯૮૮ ચૈત્રબીજ :- માણેકસ્તંભ રોપાયો.
નવી મુંબઈ જ્ઞાતિ પરિવારોનો પ્રવાહ છુટા છવાયા વિસ્તારોમાં સન ૧૯૮૮ માં સુમારે માંડ દોઢસો પરિવારો નો હતો
ચૈત્રબીજના સપરમાં દહાડે "શ્રી લોહાણા સમાજ-નવી મુંબઈ" સંસ્થાનો માણેકસ્તંભ રોપવાનો છે. એ માટે સૌના ચહેરા પર આનંદ અને હર્ષોલ્લાસ વર્તાતો હતો, અગ્રણીઓ સર્વશ્રી તુસ્લીદાસભાઈ ઠક્કર, શ્રી મોહનભાઈ ઠક્કર અને શ્રી હિંમતભાઈ સોમૈયાએ કરેલી "શ્રી લોહાણા સમાજની સ્થાપનાની જાહેરાતને" ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી અને હર્ષોલ્લાસ કર્યો.
સન ૧૯૮૯ :- પ્રથમ વહીવટી સમિતિ રચના
સન ૧૯૮૯ માં વિધિવત કારોબારી સમિતિની રચના થઇ જેના મુખ્ય ઉદ્દેશો હતા જ્ઞાતિ પરિવારો એક છત્ર હેઠળ હળેમળે તેવા ઉમેદા હેતુથી ઉત્સવોના આયોજનો કરવા. જેમાં ચૈત્રબીજ (દરિયાલાલ જયંતી), આષાઢી બીજ (કચ્છી હાલારી નુતનવર્ષ), સરસ્વતી સન્માન સમારોહ, નવરાત્રોત્સવ, શરદ પૂર્ણિમા, દિપોત્સવી-નુતનવર્ષ-સ્નેહ મિલન, જલારામ જયંતી-ભોજન પ્રસાદ ભંડારો, સંસ્કૃતિ કાર્યક્રમોના આયોજનો મુખ્ય હતા.
સન ૧૯૯૦ :- સંગઠનની સાંકળ
સ્થાનિક પ્રવૃત્તિઓની વિકાસ્યાત્રનું ફલક વિસ્તારી થાણા જીલ્લો, રાયગઢ જીલ્લો અને પરિસરના મહાજનોના સંયુક્ત સથવારે લગ્નોત્સુક યુવક / યુવતીઓ માટે પરિચય મેળાવડાઓના તેમજ સમૂહલગ્નના આયોજન સંયુક્ત પણે યોજી, સંગઠનની સાંકળ મજબુત બનાવી.
સન ૧૯૯૧ થી સન ૧૯૯૨ :-
"જનકલ્યાણ ના કર્યો એજ અમારું જીવન મંત્ર"નવી મુંબઈ વશી-તુર્ભે રોડ પર જર્જરિત અવસ્થાની સ્મશાનભૂમિ સંકુલને નવી મુંબઈ મહાનગરપાલિકા પાસેથી દત્તક લઇ અન્ય જ્ઞાતિ સમાજોના સથવારે રૂ. પાંત્રીસ લાખની લાગત સાથે સ્મશાન ભૂમિનું નુતનીકરણ અને સુશોભીકરણ કરી અને અંત્યેષ્ઠી માટે જરૂરી તમામ સામગ્રી રાહતના ધોરણે ઉપલબ્ધ કરાવી જનસમાજને અર્પણ કરી.
સન ૧૯૯૩:- નવી મુંબઈ-ગુજરાત ભવન
નવી મુંબઈ વશી, સેક્ટર - ૧૪ માં નિર્માણાધીન 'ગુજરાત ભવન' ના નિર્માણ કાર્યમાં નવી મુંબઈની ગુજરાતી ભાષી સર્વે સંસ્થાઓ સાથે સહયોગમાં રહી ઈંટ પર ઈંટ ચણાવી નિર્માણ પ્રકલ્પમાં શ્રી લોહાણા સમાજ-નવી મુંબઈ નો સિંહ ફાળો રહ્યો.
સન ૧૯૯૪ થી ૧૯૯૫ :- પ્રવૃત્તિઓની વણથંભી વણઝાર
નવી મુંબઈની વિવિધ સામાજિક સંસ્થાઓ, ઘેલાણી સત્કાર્ય ચેરિટેબલ ટ્રસ્ટ-મુંબઈ તેમજ થાણા જીલ્લા અને રાયગઢ જીલ્લાના વિવિધ મહાજનોના સથવારે બ્લડ ડોનેશન કેમ્પ, રક્ત ચકાસણી શિબિરો, રોગ નિદાન શિબિરો, થેલેસેમિયા કેમ્પ તેમજ યુવક / યુવતીઓ માટે પરિચય મેળાવડાઓ અને સમૂહ લગ્નોના આયોજનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું.
સન ૧૯૯૬ થી ૧૯૯૭ :- 'પોતીકું ઘર' લોહાણા ભવનના મનોરથો
વિવિધ પ્રવૃત્તિઓની સાથે મનોરથોના સોણલાં સાકાર કરવા સિડકો પાસે લોહાણા ભવન પ્રકલ્પ માટે રાહતના દરે પ્લોટ ફાળવણીની અરજ.
સન ૧૯૯૮ :- 'સોણલાં થયા સાકાર'
નવી મુંબઈના કોપરખૈરાણે નોડમાં સેક્ટર-૧૦ જેવા પ્રાઈમ લોકેશનમાં સુમારે ૧૫૦૦ સ્કે. મીટરના પ્લોટની ફાળવણી અંકે કરે અને મુંબઈના અગ્રણ્ય આર્કિટેક મેસર્સ હોમવર્ક અને આર.સી.સી. સ્પેશિયલીસ્ટ મેસર્સ શ્રીખંડેના વસ્તુ નકશા પ્રમાણે પાંચ મજલાના ૩૫,૦૦૦ સ્કે. ફૂટના વસ્તુ પ્લાન માટેની મંજુરી મેળવી. હવે પ્લોટ પ્રાપ્તી માટે ભરવાની રકમ સુમારે રૂ. ૧૫ લાખના ભંડોળ ઉપલબ્ધી માટે Chariti begins at home ના નિયમ પ્રમાણે કારોબારી સમિતિની સભામાં માત્ર અડધા કલાકમાં ૧૧ સભ્યોએ પોતાના ગુંજામાં હાથ નાખી રૂ. ૧૫ લાખ સંસ્થાને ચરણે ધરી દીધા.
જ્ઞાતિ હિતદાઝનો પ્રબળ પુરાવો આપ્યો. પ્લોટની પ્રાપ્તી અંકે થઇ ગઈ.
સન ૧૯૯૯ :- રવિવાર તા. ૨૪ ઓક્ટોબર
શ્રી લોહાણા સમાજ-નવી મુંબઈના આંગણે અને યજમાન પદે વિશ્વભરના જ્ઞાતિ શ્રેષ્ઠીઓની પધરામણી - માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદની મધ્યસ્થ મહાસમિતિની ઐતિહાસિક બેઠક સાથે લોહાણા ભવન પ્રકલ્પ માટે ભૂમિ તિલક કાર્યક્રમ અને શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ સંસ્થાના દશાબ્દી મહોત્સવ નિમિત્તે સ્મરણિકા વિમોચન કરવામાં આવ્યું, આ અણમોલ અવસરે જ્ઞાતિ શ્રેષ્ઠીઓની ગરીમાંમ્ય ઉપસ્થિત સમક્ષ લોહાણા ભવન નિર્માણ પ્રકલ્પ માટે માત્ર ખોબો ધરી સાથ સહયોગ અને સહભાગ માંગ્યો તો દિલના દિલેર શ્રેષ્ઠીઓએ અમારી ઝોળીઓ છલકાવી દીધી. માત્ર ૨ કલાકના સમારોહમાં રૂ. ૭,૬૦૦,૦૦૦ (રૂ. છોત્તેર લાખના) ભંડોળના વચનોની પ્રાપ્તિ થઇ અને શ્રી લોહાણા ભવન પ્રકલ્પ જયારે પૂર્ણતાને આરે પોહોચ્યું તેટલા સમય ગાળામાં કુલ્લે રૂ ૨.૫ કરોડ (અઢી કરોડનું) માતખર ફંડ સંસ્થાને દફતરે જેમ આવી ગયું.
સન ૨૦૦૦:- જાન્યુઆરી માસ, તારીખ ૩૦, રવિવાર
ઉગતા સૂર્યદેવની સાક્ષીએ મુરબ્બીશ્રી ગુલાબરાય વૃજ્દાસ ગાંધી પરિવારના શ્રી અજયભાઈ ગાંધી અને શ્રી પ્રદિપભાઈ ગાંધી પરિવારજનોના વરદ્હસ્તે ખાત મુહુર્ત અને પાયા પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી.
સન ૨૦૦૦:- તા. ૧૬, એપ્રિલ રોજે પ્રકલ્પ પ્લોટ પર નિર્માણ કાર્ય તેમજ સમાજ વહીવટ કાર્ય માટે કાર્યાલય નું ઉદ્દઘાટન:
જ્ઞાતિશ્રેષ્ઠી મુરબ્બીશ્રી નારણદાસભાઈ દાવડા (મે.નવભારત પોટરીઝ), મુરબ્બીશ્રી ડી. એમ. પોપટ (સોલીસીટર્સ), શ્રી કૃષ્ણકુમારભાઈ કોઠારી, શ્રીમતી શકુંતલાબેન કાપડીયા, શ્રીમતી ઉષાબેન ઠક્કર અને શ્રી મધુકાન્તભાઇ માણેક (ડુંગરશી નાગશી ટ્રસ્ટ) ના વરદ્હસ્તે કાર્યાલય સમાજ વહીવટ માટે અર્પણ કરવામાં આવ્યું.
સમયની શીશીમાં રેત સર.. સર.. સરકતી રહી
હવે એકજ મનજીલ સર કરવાની હતી
હવે એકજ મિશન હતું લોહાણા ભવન-પોતિકું ઘર
હવે એકજ નિશાન હતું લોહાણા ભવન લોકાપર્ણ
લોકાપર્ણ તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૫, નિશ્ચિત હતી.
હજુ તો ચાર મજલાના ચણતરનું કામ બાકી હતું, હજુ તો ભવનને નવા વાઘા પહેરાવી સોળ શણગાર સજાવી ઠાઠ-માઠથી સમાજને અર્પણ કરવું હતું.
"રાત થોડી હતી અને વેશ ઝાઝા પહેરવાના હતા" પણ અમારા નાખુદા હતા આલા જીગર આસમાની અને એ ઐતિહાસિક દિવસની સુવર્ણ મઢી સવારે સૂર્યના તેજ કિરણ પથરાયા અને નવી મુંબઈ સ્થિત લોહાણા ભવનના કાંગરા ઝગમગી ઉઠ્યા
સમસ્થ મુંબઈ અને દેશ-દેશાવરથી રઘુવંશી શ્રેષ્ઠીઓની સવારી નવી મુંબઈના આંગણે પધારી "લોહાણા ભવન લોકાપર્ણ" માટે મેદાનમાં બાંધવામાં આવેલ વિશાળ સામિયાણામાં શ્રેષ્ઠીઓ પધારી રહ્યા હતાં. હકડેઠઠ્ઠ મહેરાણથી સામિયાણો ઉભરવા લાગ્યો.
સહુ શ્રેષ્ઠીઓ દેદીય્યમાન ભવનના દર્શન કરી વાહ વાહ પોકારી ગયા અને હૈયેથી હૈયું મેળવી અભિનંદન અભિષેકનો વર્ષવ કર્યો.
- જય રઘુવંશમ